સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા/ 12 અને 9 ઈંચ વરસાદ પડતાં ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા

ચોમાસું હવે પોતાના અસલી રંગમાં આવ્યું છે, અને હજુ પણ 9 જુલાઈ સુધી વરસાદની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જશે. કેટલાક જિલ્લામાં તો વરસાદનું રેડ એલર્ટ પણ અપાયું છે. રાજ્યમાં વરસાદની તીવ્રતા સતત વધી રહી છે. દરરોજ 100થી વધુ તાલુકામાં મેઘરાજા મંડાણ કરી તરબોળ કરે છે.

ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું છે. જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ અનરાધાર હેત વરસાવનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સાત કલાકમાં 12 ઇંચ, કોડીનારમાં સાતેક કલાકમાં 9 ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતા બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જોવા મળતો હતો. પંથકના મટાણા સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત, ભરૂચ, જૂનાગઢ, ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

આવતી કાલે 7 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે નર્મદા, ભરૂચ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી. વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના લીધે ઉમરગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. આ સિવાય કપરાડા, ધરમપુર, વલસાડ અને વાપીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે.

આ સાથે ખાંભામાં 3.5 ઈંચ, સાવરકુંડલામાં સવા 3 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, વિસાવદરમાં સવા 2 ઈંચ, ખેરગામમાં સવા 2 ઈંચ, ધારીમાં સવા 2 ઈંચ, સુરતમાં સવા 2 ઈંચ, વડિયામાં 2 ઈંચ, ચોર્યાસીમાં પોણા 2 ઈંચ અને ગણદેવીમાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *