આજે અને કાલે (6 અને 7 તારીખે) ભારે થી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં?

છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધબધબાટી ચાલી રહી છે. દ્રારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગે હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને વલસાડ, દ્રારકા,પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર ભારે વરસાદ પડી શકે છે.

ચોમાસું હવે પોતાના અસલી રંગમાં આવ્યું છે, અને હજુ પણ 9 જુલાઈ સુધી વરસાદની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જશે. કેટલાક જિલ્લામાં તો વરસાદનું રેડએલર્ટ પણ અપાયું છે. રાજ્યમાં વરસાદની તીવ્રતા સતત વધી રહી છે. દરરોજ 100થી વધુ તાલુકામાં મેઘરાજા મંડાણ કરી તરબોળ કરે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત, ભરૂચ, જૂનાગઢ, ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

આવતી કાલે 7 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે નર્મદા, ભરૂચ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.

જૂનમાં વરસાદની ઘટ રહી છે, જેના કારણે હજુ પણ રાજ્યમાં વરસાદની 22 ટકા ઘટ છે. જોકે, હવે જુલાઈમાં વરસાદી માહોલ છવાયો છે. જે જૂનની ખોટ પૂરી કરશે એટલું જ નહીં અનેક ડેમ પણ છલોછલ કરી જગતના તાતને ખુશખુશાલ કરી શકે છે. જોકે અત્યંત ભારે વરસાદની આગાહી વાળા વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર પણ સજ્જ થયું છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *