સૌરાષ્ટ્રમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં સતત એક મહિનાથી વરસાદ પડી રહ્યો છે અને સરખી વરાપ નીકળી નથી ત્યાં ફરી લાંબો રાઉન્ડ આવીને ઉભો રહેતા એવા વિસ્તારોમાં વધુ વરસાદના લીધે ચિંતા જનક સ્થિતી ઊભી થઈ છે.
ગઈ કાલથી આગામી તા. 25 જુલાઈ સુધી જુદા જુદા ચાર પરિબળોનાં કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટાભાગનાં સ્થળોએ મધ્યમથી ભારે અને અમુક સેન્ટરોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી; ગુજરાતના આ જિલ્લામાં થશે મેઘતાંડવ, ધોધમાર વરસાદની આગાહી
અશોકભાઈ પટેલે જણાવ્યું કે, 17 જુલાઈ સુધીમાં જેટલો વરસાદ પડવો જોઈએ તેના કરતા 147% વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનમાં પડયો છે. ખાસ કરીને કચ્છ રીજીયનમાં 319% વધુ વરસાદ પડયો છે. જયારે ગુજરાત રીજીયનમાં 36% વધુ વરસાદ પડયો છે અને સમગ્ર રાજયમાં 84% વધુ વરસાદ પડેલ છે.
ગઈ કાલ તા. 18થી આગામી તા. 25 જુલાઈ સુધી વિવિધ પરિબળો કામ કરશે. જે પૈકી ગુજરાત રાજય અને લાગુ અરબી સમુદ્ર ઉપર 3.1 કી.મી.નાં લેવલનું અપરએર સાયકલોનીકલ સકર્યુલેશન છે. તથા ચોમાસું ધરી નોર્મલ અથવા અમુક દિવસ ધરીનો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ રહે અને ઉતર ગુજરાત તરફ આવી શકે.
ચોમાસુ ધરી 1.5 કીમીના લેવલમાં નોર્મલ રહે અથવા અમુક દિવસ ધરીનો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ આવે તેમજ એક બહોળુ અપરએર સાયકલોનીક સરકર્યુલેશન 1.5, 3.1 અને 5.5 કીમીના લેવલમાં છવાશે. જયારે બંગાળની ખાડી બાજુ એક-બે અપર એર સાયકલોનીક સકર્યુલેશન થવાના હોવાથી મોન્સુન ટ્રફ સક્રિય થશે.
દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી તા. 18થી 25 જુલાઈ દરમ્યાન સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છમાં સારા વરસાદનો રાઉન્ડ રહેશે. ઘણા વિસ્તારોમાં એકથી વધુ રાઉન્ડની શકયતા છે. સૌરાષ્ટ્ર-ક્ચ્છનાં 50% વિસ્તારમાં 2 ઈંચ સુધીનાં વરસાદની શકયતા છે. જયારે બાકીનાં 50% વિસ્તારમાં 2થી 4 ઈંચ અને સૌરાષ્ટ્રના અતિભારે વરસાદના સેન્ટરોમાં 8 ઈંચ ઉપર વરસાદ પડવાની શકયતા છે.
આજ રીતે ગુજરાતમાં 50% વિસ્તારમાં 2.5 ઈંચ જેટલો જયારે બાકીના 50% વિસ્તારમાં 2.5થી 5 ઈંચ અને અતિભારે વરસાદની શકયતાવાળા સેન્ટરોમાં 8 ઈંચથી વધુ વરસાદ પડવાની શકયતા હોવાનું અશોકભાઈ પટેલે જણાવેલ હતું.
વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.