ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણથી લઇને ઉત્તર ગુજરાત સુધી મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સકર્યુલેશનેન પગલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય પશ્ચિમ અરબી સમુદ્રમાં 3.1 થી 5.8 km ના લેવલે એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છે. જેનો ટ્રફ રાજસ્થાનથી લઈને ગુજરાત ઉપરથી પસાર થશે. જ્યારે બીજો એક ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રવિવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અને સોમવારે નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડશે.
જ્યારે મંગળવારના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.
ગઇકાલે રાત્રે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ આવ્યો હતો. જેને કારણે સ્કૂલ કેમ્પસ, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. આ સાથે ડીસામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ગોંડલના હડમતાળા અને કોલીથડમાં 8 ઈંચ, લોધીકામાં 4 ઈંચ, રાજકોટ સવા બે ઈંચ, ગોંડલમાં 3 ઈંચ, વીરપુરમાં અઢી ઈંચ, ધોરાજી, વિસાવદર, વંથલી અને કાલાવડમાં 2 ઈંચ, જેતપુરમાં બે ઈંચ, જૂનાગઢ, કોડીનાર, ઉના, ગીરગઢડા અને ધારીમાં દોઢ ઈંચ, અન્યત્ર અડધાથી એક ઈંચ વરસાદ પડી ગયો હતો.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.