રાજ્યમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ માટે જ હવામાન વિભાગે 24 કલાક માટે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત 4 જુલાઈએ ઓડિશાથી નજીક લૉ પ્રેશર સર્જાશે. તેની અસરના કારણે 5 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જોકે, આ પહેલા હવામાન વિભાગે ગુજરાતમાં 5 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી.
ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
બીજા દિવસે રવિવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અને સોમવારે નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડશે.
જ્યારે મંગળવારના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.
બનાસકાંઠા જિલ્લામાં ગતરાત્રિ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં દિયોદરમાં 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે ડીસામાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો.
વલસાડમાં મેઘાની તોફાની બેટિંગ શરૂ છે. વલસાડમાં સરેરાશ 4.48 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પારડીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે વાપીમાં 2.27 ઈંચ અને ઉમરગામમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કપરાડામાં 1.4 ઈંચ અને ધરમપુરમાં 1.20 ઈંચ વરસાદ થયો છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.