રાજ્યમાં ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડશે.
સૌરાષ્ટ્રમાં રજાનો માહૌલ જામ્યો છે ત્યારે બીજી તરફ પૂર્વ રાજસ્થાન પર ભારે વરસાદ લાવતું ડીપ્રેસન સર્જાયું છે અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતથી મહારાષ્ટ્ર કાંઠા સુધી ટ્રોફ વગેરે સીસ્ટમથી ગુજરાતમાં ચોમાસુ ગતિશીલ બન્યું છે.
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદ રહેશે. રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આગાહી મુજબ 17 અને 18 તારીખના રોજ ઉપરોક્ત જગ્યાએ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. 19 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે કે મંગળવારે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં ભારે વરસાદની સાથે જ દ્વારકાના દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગોમતીઘાટ, ભડકેશ્વર સહિતના વિસ્તારોમાં 10થી 15 ફૂટ ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે. જેના લીધે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 93.3 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ કચ્છમાં 143.22% વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો 90.49% વરસાદ વરસી ચુક્યો છે. પૂર્વ-મધ્યમાં 77.78% વરસાદ વરસી ચુક્યો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 84.44% વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 104.42% વરસાદ વરસી ચુક્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસી રહ્યો છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.