તારીખ 4 જુલાઈથી 25 જુલાઈ સુધી અવાર નવાર વરસાદ ઝાપટા સ્વરૂપે તો ક્યારેક હળવાથી મધ્યમ તો ક્યારેક ભારે કે અતિ ભારે વરસાદ પડી શકે છે. સમયાંતરે વરસાદના ઉપરા ઉપરી રાઉન્ડ ચાલુ જ રહે તેવી સંભાવના દેખાય રહી છે.
ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે. જેમાં 8 જુલાઈના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ વરસશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
આવતી કાલે 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે તેમજ 6 જુલાઇના રોજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા, ધરમપુર, વલસાડ અને વાપીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે.
આ સાથે ખાંભામાં 3.5 ઈંચ, સાવરકુંડલામાં સવા 3 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, વિસાવદરમાં સવા 2 ઈંચ, ખેરગામમાં સવા 2 ઈંચ, ધારીમાં સવા 2 ઈંચ, સુરતમાં સવા 2 ઈંચ, વડિયામાં 2 ઈંચ, ચોર્યાસીમાં પોણા 2 ઈંચ અને ગણદેવીમાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.