બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય / ગુજરાતમાં આ તારીખે ભારેથી અતિ ભારે વરસાદ

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી આપી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. આ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આઠમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેસર બન્યું હોવાથી તેની અસર ગુજરાત પર જોવા મળશે. આ લૉ પ્રેશર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીની જણાવ્યા પ્રમાણે, “આગામી પાંચ દિવસમાં આખા ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે. ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. 8મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે.”

વધુ જાણકારી આપતા તેઓએ જણાવ્યું કે, “દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના એકાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.”

મનોરમા મોહંતિએ વધુમાં જણાવ્યું હતું કે, “હાલ પશ્ચિમ બંગાળમાં એક લો-પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. જોકે, ગુજરાત પહોંચવા સુધી આ સિસ્ટમ નબળી પડી જશે પરંતુ ત્યાં સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી જશે. પાંચમી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં માછીમારો માટે વોર્નિંગ રહેશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે.”

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા, ધરમપુર, વલસાડ અને વાપીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. આ સિવાય ખાંભામાં 3.5 ઈંચ, સાવરકુંડલામાં સવા 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *