લૉ પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું; ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ

WhatsApp Group Join Now

બંગાળની ખાડીમાં ઓરિસ્સા અને લાગુ પશ્ચિમ બંગાળના વિસ્તારો ઉપર રહેલ વેલમાર્ક લૉ પ્રેશર હવે વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાયું છે, આગામી 24 કલાકમાં આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરીને છત્તીસગઢ અને તેને લાગુ પૂર્વ મધ્યપ્રદેશ ઉપર છવાશે અને ફરી થોડું નબળું પડી વેલમાર્ક લૉ પ્રેશરમાં ફેરવાઈ શકે છે.

આ સિસ્ટમ સાથે સંકળાયેલ બહોળું સર્ક્યુલેશન અરબસાગરમાં સૌરાષ્ટ્ર કચ્છના પશ્ચિમ કાંઠા સુધી છવાયેલ છે જેમાં વધુ એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન અરબસાગરમાં સૌરાષ્ટ્રની દક્ષિણે તથા લાગુ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. ચોમાસાની ધરી કચ્છના નલિયાથી ઉત્તર મધ્ય ગુજરાત થઈને ડિપ્રેશન સિસ્ટમના સેન્ટર સુધી લંબાયેલ છે.

આ બધી સિસ્ટમોની અસર હેઠળ આવતા ત્રણ દિવસ ગુજરાતમાં ચોમાસુ સક્રિય રહેશે અને ઘણા વિસ્તારમાં હળવો મધ્યમ તથા કેટલાક વિસ્તારમાં ભારે અને અમુક સ્થળે અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. જેની વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જીલ્લાઓ તથા કચ્છના કાંઠા વિસ્તારમાં રહી શકે જેમાં ગાજવીજનું પ્રમાણ પણ વિશેષ જોવા મળશે. આ સિવાય ગુજરાત રિજીયનના ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડી શકે.

આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે 9 તારીખે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના લીધે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ જુનાગઢ, ગીર સોમનાથ, દિવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ સિવાય પોરબંદર, રાજકોટ, મોરબી, કચ્છ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

આવતીકાલે એટલે કે 10 તારીખે જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પોરબંદર, રાજકોટ, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ નોંધ:  હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment