આજે અને કાલે આ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે રેડ એલર્ટ

ગુજરાત પરથી આગામી દિવસોમાં મોનસૂન ટર્ફ પસાર થશે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં રાજ્ય પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

જ્યારે અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભાર વરસાદ વરસવાની સંભાવના છે. આ સાથે જ આગામી 5 દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.

ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેરમાં અંધારપટ જેવો માહોલ છે. આખા શહેરના માથા પર કાળાડિબાંગ વાદળા છવાયા છે, જેથી ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિ છે. આજે (10 ઓગસ્ટ) બુધવારના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયો વરસાદ તો આવતી કાલે (11 ઓગસ્ટ) ગુરૂવારના રોજ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાત પેટાવિભાગમાં 10 ઓગસ્ટ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ 11 ઓગસ્ટ માટે એલર્ટનું સ્તર ઘટાડીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, નવસારી, ભાવનગર, કચ્છ, જામનગર, સુરત, રાજકોટ અને તાપી જિલ્લાઓ 11 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ પર રહેશે. જૂનાગઢ, વલસાડ અને ગીર સોમનાથ આ સમયગાળા માટે રેડ વોર્નિંગ પર રહેશે.

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 3.6 ઈંચ વરસાદ અને રાજકોટના જામકંડોરણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *