હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ બુધવાર સુધીમાં ખુબ જ ખરાબ થવાની સંભાવના છે, જે ગુરુવાર સુધી ખરાબ રહે તેવી શક્યતા છે.”
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બિલેટૂન પ્રમાણે આજે 12 જૂન 2023ના રોજ આગામી ત્રણ કલાકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ આ વિસ્તારમાં 30-40 કિલોમિટર પ્રતિ કલાકની ગતિથી વરસાદ ફૂંકાશે. આ ઉપરાંત ગુજરાતના દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, જામનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત અને ભરૂચમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
અરબ સાગરમાં વાવાઝોડું આજે ખુબજ શક્તિશાળી બનીને હવે પોરબંદરથી લગભગ 400 કિમીની દૂરી પર છે. ધીમે ધીમે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. પવનની ઝડપ કલાકનાં 210 કિમી આસપાસ ગઈ હતી જે ફરી થોડી ઘટી ને 190/195 કિમી પ્રતિ કલાક પર આવી ગઈ છે. આ ઝડપ હવે તેની સર્વોચ્ચ ઝડપ બની રહે અને તેનાથી બહુ વધે નહિ તેવું અત્યારે લાગી રહ્યું છે.
મોટા ભાગનાં મોડેલ હવે કચ્છ પાકિસ્તાન બોર્ડર પર 15થી 16 જૂનની વચ્ચે લેન્ડફોલ બતાવી રહ્યા છે અને તેની શકયતા પણ વધુ કેવાય તેમ છતાં હજુ એક દિવસ આપણે અનિશ્ચિતતા મુજબ દીવથી કરાચીનું જ એલર્ટ રાખશું એટલે કે હજુ પણ થોડું ફેરફાર થઈ પણ શકે છે.
જ્યાંથી એન્ટ્રી કરશે જમીન પર ત્યાં વાવાઝોડું થોડું નબળું પડે તો પણ 140થી 160 કિમી અને વધીને 180 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે હજુ આમાં થોડો નીચેની તરફ ફેરફાર થઈ પણ શકે છે.
IMDએ માછીમારોને 15 જૂન સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. માછીમારોને 12-15 જૂન દરમિયાન મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર અરબી સમુદ્રમાં અને 15 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે અને તેની બહાર જવાની સલાહ આપવામાં આવી છે.
પીએમ મોદી ચક્રવાતી તોફાન બિપરજોયને લઈને બેઠક કરી છે. આ બેઠકમાં NDRF અને રાહત બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ સામેલ થયા છે. તમને જણાવી દઈએ કે આ તોફાનનું નામ બિપરજોય બાંગ્લાદેશ દ્વારા રાખવામાં આવ્યું છે.
કંડલા અને પોરબંદરમાં 10 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે. 10 નંબરના સિગ્નલનો અર્થ એવો છે કે વાવાઝોડું બંદર ઉપરથી પસાર થઈ શકે છે. 10 નંબરનું સિગ્નલ ભયાનક હોય છે. 90 થી 100 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ દરમિયાન વૃક્ષો ધરાશાયી થઈ શકે છે. ગુજરાતના 9 પોર્ટ પર 4 નંબરનું અને 11 પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ અપાયું છે. 1 થી 12 નંબરના સિગ્નલ અલગ અલગ પરિસ્થતિ સૂચવે છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.