આવતી કાલથી ફરીથી વરસાદનું જોર વધતું જશે કેમ કે બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે, જેની અસર ગુજરાતમાં શરૂ થઇ જશે.
આજ સાંજ સુધીમાં પૂર્વ ગુજરાત અને લાગુ દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ શરૂ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠે પણ વરસાદના પ્રમાણમાં વધારો થઈ શકે છે. જ્યારે બાકીના વિસ્તારોમાં આજે છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે.
11થી 14/15 જુલાઈ સુધીમાં સિસ્ટમ સાવ નજીક આવવાથી ભારેથી અતિભારે વરસાદ ભુક્કા બોલવાનું શરૂ કરી શકે છે. જેમાં પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ( દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ અને મધ્ય) અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે તેવી શકયતા છે. આ સિવાય મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો અમુક જગ્યાએ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.
આ સિવાય બાકી રહેલ ઉત્તર ગુજરાતમાં ઓછામાં ઓછો એક સારો વરસાદ આવે તેવી પણ શકયતા છે. જોકે આ સિસ્ટમ થોડી વિચિત્ર ગતિએ શરૂઆત કરી રહી હોવાથી થોડો ફેરફાર થઈ શકે છે.
આજે (10 તારીખે) વલસાડ, દાદરાનગર હવેલી અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, તાપિ, ડાંગ, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
11 જુલાઇની આગાહી: આવતી કાલે 11મી જુલાઈએ જુનાગઢ, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 11 તારીખે ગીર સોમનાથ, ભરુચ, સુરત અને તાપિમાં ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
12 જુલાઇની આગાહી: 12મી જુલાઈએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરુચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.